RSS

બધા જીવો દુ:ખરહિત અખંડ સુખની ઈચ્છા રાખે છે
બધામાં પોતાના આત્મા માટે પ્રેમ જોવા મળે છે અને
પ્રેમનું કારણ ફક્ત સુખ છે,તેથી એવું સુખ મેળવવા માટે
મનુષ્યે પોતાના આત્માને જાણવો જોઈએ,જેને ગાઢ નિદ્રાની
મન વગરની અવસ્થામાં પોતાના સ્વરૂપ તરીકે દરેક અનુભવે છે
એ માટે “હું કોણ છું ?”એવી શોધરૂપ જ્ઞાનમાર્ગ મુખ્ય સાધન છે .

Advertisements
 
Leave a comment

Posted by on ઓગસ્ટ 10, 2015 in Uncategorized

 

“ચાલતો જા”

“ચાલતો જા”

જયોત સળગાવી, ઇસારે ચાલતો જા,
સૃષ્ટિના અદભૂત નજારે ચાલતો જા.

વાત સૌની સાંભળી’લે પ્રેમથી, પણ-
સાવ ભીતરના અવાજે ચાલતો જા.

આમ સસલાભાઇ માફક દોડશો નહિં,
આ ગઝલ અનુભવ લખાવે, ચાલતો જા.

બે-ઘડી સૂકુંન તને મળશે જ જીવા?
કે નદીઓના કિનારે ચાલતો જા.

કેટલાં ફૂલો પ્રભુ ! દ્વારે મુકયા, ને –
તું કહે, આગળ મુકામે ચાલતો જા !!

લાગણી શાને છળે છે શું ખબર? આ –
માનવીઓના પ્રહારે ચાલતો જા !!

આટલી જલ્દી કબરમાં પગ ન મુકશો?
ઓ ” અમન ” પરવરદીગારે ચાલતો જા.

કમલેશ ચૌધરી – ” અમન ”

ગાલગાગા / ગાલગાગા / ગાલગાગા.

 
Leave a comment

Posted by on ઓગસ્ટ 10, 2015 in Uncategorized

 

ધબકાર છે….!!! -અશોકભાઈ વાવડીયા

 

પોતાના સ્વ સ્વરૂપ તરફ લઇ જતી શ્રી અશોકભાઈ વાવડીયાની ખુબ જ સુંદર રચના

ધબકાર છે….!!!

જીત ખોટાની, ખરાની હાર છે,
જીવવું લાગે હવે બેકાર છે.

પોતાના જાણી કરી દરકાર છે,
એટલે મીઠી મધુર તકરાર છે.

અનુભવી શકશો તમે, દેખાય ના,
લાગણીભીના હ્રદય ધબકાર છે.

બુધ્ધિથી નિર્માણ તનનું શક્ય છે,
પ્રાણ અંદર રેડવો પડકાર છે.

સત્ય રાહે ચાલવું કપરું ઘણું,
લાગશે તલવારની એ ધાર છે.

માનવી રફતારથી ભાગી રહ્યો,
ને અકસ્માતોની બસ ભરમાર છે.

એક ઇશ્વરનો નથી આકાર કોઈ,
એમની રચના, જગત સાકાર છે.

નેક કામોમાં તું જો નૈકી કરે,
આપવો મારે ય પણ સહકાર છે.

બ્હારથી તું સાજ-શણગારે ભલે,
મારે મન આત્મા ખરો શણગાર છે.

-અશોક વાવડીયા “રોચક”ashok

 
6 ટિપ્પણીઓ

Posted by on માર્ચ 26, 2015 in Uncategorized

 

જ્ઞાનસુધા બિંદુ

* જેમાં સંપૂર્ણ વિશ્વ સ્થિરતાપૂર્વક રહે છે,જે બધા લોકોનો
માલિક છે ,જેનાથી બધા લોકો ઉત્પન્ન થાય છે,જેને કારણે
આ બધા લોકો સત્તા પ્રાપ્ત કરે છે અને જે સર્વરૂપ છે, કેવળ
એ સયનું જ વાસ્તવિક અસ્તિત્વ છે .આવો ,આપણે બધા
હૃદયમાં વિદ્યમાન એ સત્ય-સ્વરૂપ આત્માની ઉપાસના
કરીએ .

* હે વીર ! જીવનની વિવિધ અવસ્થાઓની સૂક્ષ્મ
તપાસ કરીને,મન વડે પરમ સત્યની એ અવસ્થામાં
દ્રઢતાથી અને સ્થિરતાથી રહીને સદૈવ જગતમાં તારો
ભાગ ભજવ .તેં બધા પ્રકારના આભાસોના કેન્દ્રમાં સત્યને
જાણ્યું છે .એ સત્યથી કદી પણ પરાડ્મુખ થયા વિના ,
જગતમાં આસક્ત હોવાનો દેખાવ કરીને રમતાં રમતાં
તારી ફરજો બજાવ .

* આત્મનિરીક્ષણ અને આત્મ પૃથ્થુકરણ એ
પરિપૂર્ણ અવસ્થાની દાર્શનિક ખોજનો
પ્રારંભ છે .

* શમથી શોભનારા અને સર્વ પ્રાણીઓ પર
સ્નેહ રાખનારા સજ્જનમાં પરમતત્વ
આપમેળે જ પ્રસન્ન થાય છે .

* પોતાનું જે અસ્તિત્વ છે તે આત્માનું જ સ્વરૂપ છે

* જેનું અસ્તિત્વ છે ,એને જાણનાર અન્ય જ્ઞાતા નથી .તેથી
સત્તા જ ચૈતન્ય છે અને આપણે બધા ચૈતન્ય છીએ .

* જો મનુષ્ય પોતાના હૃદયમાં એના પોતાના સાચા સ્વરૂપને
જાણે,તો એ અનાદિ ,અનંત ,પૂર્ણ સચ્ચિદાનંદ છે .

* જો હું કોણ છું એની તપાસ કરવામાં આવે તો મનુષ્ય પોતે જ
પૂર્ણરૂપ છે .

*સત્તા અને ચૈતન્યરૂપ “હું ને ” અવગણીને ઈશ્વરને શોધવા એ
હાથમાં દીવો લઈને શોધવા બરાબર છે .
* સ્વરૂપ માત્રમાં વિશ્રાંતિ વિના પરમાત્માને જાણવાનું
બીજું કોઈ પણ સાધન નથી .

* જે દ્રશ્ય છે ,તેને જો દ્રશ્યરૂપે જ જો જોવામાં આવે તો
પરમાત્માની પ્રાપ્તિ તો ઘણે દૂર છે ,દ્રશ્ય જગતમાં
દ્રશ્યપણાનું માર્જન કરીને જો બ્રહ્મબુદ્ધિ કરવામાં આવે
તો જ પરમાત્માની પ્રાપ્તિ સુલભ છે .

* પોતાને કર્તા માનનારે કર્મફળ ભોગવવું પડે છે .
પરંતુ આપણે “આ કર્મ કરનાર હું કોણ છું ?”એમ
પૂછીને આત્માને અનુભવએ , તો કર્તુત્વ લુપ્ત
થાય છે ,અને ત્રણે કર્મો નષ્ટ થાય છે .આ નિત્ય
મોક્ષ છે .

* હૃદયકમળમાં ” હું ” એમ પ્રકાશતું ચૈતન્ય શુદ્ધ અને નિષ્પંદ છે .
એમાંથી ઉત્પન્ન થતા અહંકારનો નાશ કરીને એ ચૈતન્ય સ્વયં
મનુષ્યને મુક્તિનો આનંદ બક્ષે છે .આ વાત નક્કી સત્ય છે ,એવી
ખાત્રી રાખો .

* શ્રુતિઓ જેને અજન્મા ઈશ્વર તરીકે વણર્વે છે,એ સદા નિર્ગુણ,
નિરાકાર આત્મા હું છું એ વાત નિસ્સંદેહ છે .

* મૌનના હૃદયમાં ઉત્પન્ન થતી વાણી અનુગ્રહની અવસ્થા છે

 
1 ટીકા

Posted by on માર્ચ 20, 2015 in Uncategorized

 

મન

મન છે મરકટના જેવું સમજી લેવું
એના ન્યારા ન્યારા છે રંગ ,શું એને કહેવું ?
ઘડી ઘડીમાં બદલાઈ જાય ,જીવનમાં જોવું
મન મસ્તાનું અજબ દીવાનું ,ઘડી ઘડીમાં બદલાય
ઘડીમાં અહિને ઘડીમાં બીજે ,જ્યાં ત્યાં ગોથા ખાય
એ છે એવું મન
મન ભૂલાવે મન લોભાવે ,મનના છે સહુ રોગ
શાંત થાતું નથી મૂરખ ,ભોગવે લાખો ભોગ
અછક્લું ..એવું ..મન
ઘડી એકમાં ગાફિલ બનાવે ,ઘડીમાં ચિંતા અપાર
ભલ ભલાને ભોરવી નાખ્યાં ,ક્ષણું ના લાગી વાર
જાદુગર … એવું .. મન
સ્થિર કદી ના બેસી રહેલું ,જ્યાં ત્યાં ભટકે ગમાર
ભવ સાગરમાં ભૂલું પાડે ,એ મનડું નિરાધાર
ઓરખી …લેવું ..મન
સંગ તણો એને રંગ ચઢે છે ,એવું એ નાદાન
સત્સંગથી એ સીધું રહેતું ,બીજાનું નહિ માન
વિચારી …લેવું …મન
મન જીત્યું તેણે સર્વ જીત્યું ,આ જંગમાં જ મનાય
ચાહક તમારો કહે જેણે મન વશ કર્યું ,તેના જશ ગવાય
ભાગ્ય ….તેનું …..ફર્યું …..

 
1 ટીકા

Posted by on માર્ચ 18, 2015 in Uncategorized

 

ગઝલ ( અચ્યુત )

                 ગઝલ
 ખુમારી ખુદ મસ્તોની , ખરા ખાખી ખુદા જાણે .
જગત અણજાણ શું જાણે,સમજ વિના ઉલટું તાણે ..
બીજું શું જાણશો બાપુ ? તમે તમને નથી જાણ્યા .
અજાણ્યા છો તમે-તમથી,જીવન પણ છે જ અજાણ્યે ..
જણાતું જાણવાનું શું ? ભણો શું ? ભૂલવાનું શું ?
ખરેખર ડુંલવાનું શું ખરે કોઈ ઓલીયા જાણે ..
અજાણે જાણશો નાં કંઈ,વગર જાણેથી પસ્તાવું
બધાના જાણનારાને પુરા જાણી તરી જાવું ..
તરી જાવું,મરી જાવું,ઠરી જાવું અમરઘરમાં
તું “કૃષ્ણાનંદ”જીવીને મરી જાવું જીવનઘરમાં

 
2 ટિપ્પણીઓ

Posted by on માર્ચ 11, 2015 in Uncategorized

 

જ્ઞાન સાધનમાલા

જ્ઞાન સાધનમાલા પ્રકાશક -સ્વા :સ્વયં જયોતિ તીર્થ

પ્રાચીન અર્વાચીન ભિન્ન ભિન્ન ગ્રંથોમાંથી વીણી કાઢેલા એક સો આઠ અવતરણોની આ જ્ઞાન સાધન માલા જિજ્ઞાસુ- મુમુક્ષુઓને નિત્ય પાઠમાં ઉપયોગી થાઓ એવી શુભેચ્છાઓ સાથે     हरि :ॐ तत्सत् લખતા  આનંદ  થાય છે કે આવા મહાન પુરુષોના આવા એક નાના ગ્રંથમાં આખા વેદના સાર રૂપી મહા રત્નો  ,જે આ વિષયના અધિકારીઓ છે એમને અને સમાજને ઉપયોગી નીવડે એ હેતુથી મારા આ બ્લોગ પર મુકી દરેક વ્યક્તિ સુધી પહોચાડવાનો મારો આ નમ્ર પ્રયાસ છે
-જયેશ પટેલ
(1)  વેદાંત મનુષ્યને નકામો અને આળસુ બનાવી દે છે એમ કહેવું ખોટું છે જેમ જેમ ઉચું પદ પ્રાપ્ત થતું જાય છે ,તેમ તેમ સ્થૂળ કામ બંધ   પડતું જાય છે ઉચ્ચ આજ્ઞાધિકારી  મનુષ્ય મજૂરોની પેઠે હાથ-પગ ન હલાવતાં માત્ર જીભ ( સુક્ષ્મ ઇન્દ્રિયો ) ચલાવે છે ,પરંતુ તેની એકાદી  આજ્ઞા પણ હજારો         મજુરોને  દોડઘામ કરાવી મુકે છે એજ પ્રમાણે એક સાચો મહાત્મા જેના વિચાર માત્રમાં જગત સ્થિત થઇ રહ્યું છે ,,તે સંસારિક  કામો તો શું કર્યા કરે ,પણ જીભ સરખીયે ન હલાવે,,ઉપદેશ પણ ન કરે ,તો પણ તેનો સત્ય સંકલ્પ સેકડો કે હજારો ઉચ્ચ સત્તાધારીઓના હૃદયો જીહ્વાઓ અને શરીરોને દોડધામ કરાવી મૂકે છે  .પછી ભલે તમે તેને જડ ,મૂઢ ,આળસું કે એદી કહો  .વ્હાલા આક્ષેપ કરનાર ! એક વખત જઈને  કોઈ સાચા અદ્ઘેતનિષ્ઠ મહાત્માનાં દર્શન તો કરી આવ  ,પછી જોઈશું કે તારા આક્ષેપો અને તર્કો ક્યાં સુધી ટકી રહે છે
. – સ્વામી રામતીર્થ
(2) જેમ સારું બીજ વાવ્યું હોય તેમ તેમાંથી સારું ફળ અવશ્ય ઉત્પન્ન થાય છે ,તેમ સારા પુસ્તકો વાંચવાથી અવશ્ય આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે ,સામાન્ય મનુષ્યે રચેલું શાસ્ત્ર પણ જો યુક્તિઓ વડે તત્વનો  નિર્ણય  કરાવતું હોય ,તો તે ગ્રહણ કરવું ,અને જો ઋષિનું વાક્ય હોવા છતાં પણ જો તેવી રીતે નિર્ણય ન કરાવતું હોય તો તેને છોડી દેવું બુદ્ધિમાન પુરુષે ન્યાયને અનુસરતી  પદ્ધતિ જ સ્વીકારવી જોઈએ , કોઈ બાળકનું વચન પણ જો યુક્તિ સહિત હોય તો સ્વીકારી લેવું પણ બ્રહ્માનું વચન પણ જો યુક્તિથી વિરુદ્ધ હોય તો તેને તણખલાની પેઠે છોડી દેવું  . ગંગાના જળને છોડીને ,સમીપમાં રહેલો “આ મારા બાપનો કૂવો છે “એવા આગ્રહથી જે એ કૂવાના પાણીને પીતો હોય તે હઠીલા પુરુષને કોણ સમજાવી શકે ?
-શ્રી યો  .વ  .મ   રામાયણ
(3) અપણા પ્રત્યેક નાનામાં નાના અનુભવમાં પણ સમગ્ર ઈતિહાસ ભરેલો છે ,પણ આપણે તે વાંચતા નથી જો આપણે સાચો માર્ગ લઈએ તો બુદ્ધ કે ઇસુખ્રીસ્ત થવું પણ સહેલું છે એ સાચો માર્ગ પકડાયો એટલે આપણા ક્ષુદ્ર અહંકારનો ત્યાગ કરીને પરમાત્માને જીવન સમર્પિત કરવું ,એક જ મ્યાનમાં બે તલવારો એક સાથે ન રહી શકે ,સ્તુતિ અને નિંદાનો આપણા ઉપર વરસાદ વરસે તો પણ તેના તરફ લક્ષ ન આપતાં ,આપણે આપણી શક્તિ ખીલવ્યા કરીએ ,કર્તાપણાના જ્વરથી મુક્ત રહીએ ,”જીતવું અને મેળવવું ‘ એવો ઉદેશ ન રાખીએ ,સત્યના હિમાયતી બનવા કરતાં સત્યસ્વરૂપ બનવા ઈચ્છીએ ,સૂર્ય જેમ વગર માન સન્માને બધાને સરખો પ્રકાશ આપે છે ,તેમ આપણે આપણી સમસ્ત શક્તિઓને બીજાને માટે ઉપયોગ કરવા છતાં પણ એને માટે માન સન્માનની ઈચ્છા ન રાખએ તો આપણે પણ ઈશ્વરના ઈશ્વર થઇ શકીએ
-શ્રી સ્વામી રામતીર્થ
(4) જે મનુષ્ય ક્ષત્રિય હોવા છતાં બીકણ હોય ,બ્રાહ્મણ હોવા છતાં સર્વભક્ષી હોય, વૈશ્ય હોવા છતાં (વ્યપારમાં )નિ:સ્પૃહ હોય ,હીન જાતિનો હોવા છતાં આળસું હોય ,વિદ્વાન હોવા છતાં દુરાચારી હોય ,કુળવાન હોવા છતાં ચારિત્ર્યભ્રષ્ટ હોય ,બ્રાહ્મણ હોવા છતાં સત્યભ્રષ્ટ હોય ,પત્ની હોવા છતાં વ્યભિચરિણી હોય ,યોગી હોવા છતાં રાગી હોય ,દેવાદિના નિમિત્ત વિના કેવળ પોતાને માટે જ અન્ન્પાક કરતો હોય ,મૂર્ખ હોવા છતાં બહુ વાચાળ હોય ,જે રાષ્ટ્ર રાજાથી રહિત હોય ,અને જે મનુષ્ય વિરક્ત થયા છતાં યોગસાધનથી રહિત હોય એ બધા અત્યંત શોચનીય દશાને પામે છે  .
– મહાભારત
(5)સંસારી વિષયોના જ્ઞાનને જ્ઞાન માની બેસવું ,અસંખ્ય પુસ્તોકોના જ્ઞાતા થવું ,અવનવી વિદ્યાઓમાં પારંગત થવું ,વ્યવહારોની ઉથલ-પાથલ કરવામાં કુશળ ગણવું ,વાણી ,મન અને વર્તનમાં ભેદ રાખી જગતમાં ફાવ્યા કહેવરાવવું ,વૈભવ અને વિલાસ મેળવવા -ભોગવવા બુદ્ધિને ખર્ચી નાખવી ,એ બધી વિદ્યા નહિ પણ અવિદ્યા જ છે ,એ જ્ઞાન નહિ પણ અજ્ઞાન જ છે ,એ કેળવણી પૂર્વના પ્રકાશની ,ભારતવર્ષની નહિ પણ પશ્ચિમના આથમતાં સૂર્ય પાછળ આવતી અમાવસ્યની રાત્રિના ઘોર અંધારા જેવી છે , એમાં નથી રહેતું  સ્વધર્મનું ભાન કે નથી સચવાતું સ્વકર્મનું પાલન ;સ્વધર્મ ,સ્વકર્તવ્ય ,જેવા માનવજીવનને પૂણ્ય પંથે ચડાવે એવા સત્કર્મ થાય એવો સ્વભાવ જ તેમાં કેળવાતો નથી  . એ વિદ્યા નહિ પણ અવિદ્યા જ છે ,એ જ્ઞાન નહિ પણ અજ્ઞાન જ છે
-સા  .જ્યો
(6)જે પુરુષ ચારે વેદ તથા સમસ્ત ધર્મોશાસ્ત્રોને ભણીને પણ  “હું બ્રહ્મ છું ” એમ જાણતો  નથી તે રસોઈનો સ્વાદ ન જાણનારી કડછી જેવો છે   .ચંદનકાષ્ટનો ભાર વહેનાર ગધેડો માત્ર એના ભારને જ જાણે છે  .તેવી  રીતે જે પુરુષ શાસ્ત્રોને ભણીને પણ એના આત્મજ્ઞાનરૂપ સારને નથી જાણતો તે ગધેડાની પેઠે શાસ્ત્રના ભારને જ જાણે છે  . શરીર પોતે નાશવાન છે ,એમાં રહેવા છતાં પણ જે પુરુષને પોતાના અવિનાશી બ્રહ્મભાવમાં સંશય છે ,એ ભલે ચારે વેદ ભણેલો વિપ્ર હોય તો પણ સૂક્ષ્મ બ્રહ્મને પામતો નથી અનેક રંગની ગાયોનું દૂધ તો જેમ એક જ રંગનું હોય છે ,તેવી રીતે દૂધના જેવું એકરસ જ્ઞાન અને ગાયોના જેવા જુદા જુદા શરીર સમજવા જોઈએ  .આહાર ,નિદ્રા ,ભય ,અને મૈથુન વગેરે ધર્મ મનુષ્ય તથા પશુઓના એક સમાન છે  .મનુષ્યોમાં કેવળ આત્મજ્ઞાન વિશેષ છે ; એ જો ન હોય તો મનુષ્ય પશુઓના જેવો જ છે  .
– ઉ  .ગી  .
 (7) હું કોણ છું ,આ બધું (જગત) શામાંથી જન્મ્યું ; આનો કર્તા કોણ છે ,આનું ઉપાદાન કારણ શું છે ,આવા ચિંતનનું નામ વિચાર છે  .પંચમહાભૂતોના સમૂહરૂપ  દેહ હું નથી, ઇન્દ્રિયોના સમૂહરૂપ હું નથી ,આ બધાથી કંઈક વિલક્ષણ છું ,આનું નામ વિચાર છે (આત્માના )અજ્ઞાનમાંથી બધું ઉત્પન્ન થયું છે ,આત્મજ્ઞાનથી એનો લય થાય છે ;સંકલ્પ જ બધું રચે છે ,આવું ચિંતન વિચાર છે  .માટી જેમ ઘડા વગેરેનું ઉપાદાન કારણ છે તેવી રીતે આ બધાનું એક સુક્ષ્મ ,સત્સ્વરૂપ અને અવિનાશી કારણ છે એવી માન્યતા એ વિચાર છે   . હું એક , સુક્ષ્મ, જ્ઞાતા ,સાક્ષી ,સત્સ્વરૂપ અને અદ્વય છું ,તેમાં કશો પણ સંદેહ નથી।,આવું વિચારનું સ્વરૂપ છે  .

(8)આત્મામાં ભાસતા ભેદનો બાધ કરવો તે વિદ્યા છે ,નહિ કરવા યોગ્ય કર્મો તરફ ધૃણા તે જ લજ્જા છે ; ગુણો એ જ શ્રેષ્ઠ આભૂષણો છે ;સુખ અને દુઃખ બંનેનું અનુસંધાન ન રાખવું તે સુખ છે ;વિષયભોગની ઈચ્છા રાખવી તે દુઃખ છે ;સંસારમાં બંધન કેમ થાય છે તે જાણે તે પંડિત છે ;દેહ વગેરે ઉપર જે અહંબુદ્ધિ રાખેદેહ વગેરેને જ જે આત્મા તરીકે માને તે મુર્ખ છે ;જે માર્ગ મને મોક્ષ પ્રાપ્ત કરાવી આપે છે તે નિવૃત્તિ માર્ગ જ ઉત્તમ છે ;ચિત્તનો જેમાં વિક્ષેપ થાય છે એવો પ્રવૃતિમાર્ગ તે ઉન્માર્ગ છે -ખરાબ માર્ગ છે ;સત્વગુણની વૃદ્ધિ તે જ સ્વર્ગ છે ;તમોગુણની વૃદ્ધિ તે જ નરક છે
-ભા  .પુ

(9) કોઈ કહે છે કે ધર્મ તો કેવળ શ્રધાત્મક છે ;કઈ કહે છે કે શ્રદ્ધા વિરુદ્ધ જે પ્રત્યક્ષ સિદ્ધ કરવાની બુદ્ધિ, તે રૂપ છે અમે કહીએ છીએ કે ધર્મ ઉભયરૂપ છે ,બુદ્ધિ તથા શ્રદ્ધા ઉભયરૂપ છે ,ઉભયે એક છે  .ધર્મ સમજાય તો જ આચાર,વિચાર,નીતિ,રાજ્ય,વ્યવહાર વગેરે સર્વ નિયમાય ;નહિ તો સુકાન વિનાની નાવની પેઠે ધર્મ વિનાનું મનુષ્યનાવ ગમે ત્યાં અથડાય ભાંગી જાય  .જીવ માત્રે પરમાનંદ શામાં માનવો ,પોતાના સ્વભાવને કેમ સમજવો ,ટૂકમાં મનુષ્યનું મનુષ્યત્વ ,મનુષ્યરૂપે જીવવાનું સાર્થક શામાં માનવું ,એ નિશ્ચય થાય ,તેનું નામ ધર્મ, અને તે નિશ્ચય થયો એટલે તુરંત તદનુસાર નીતિ ,આચાર વગેરે સહજ પ્રાપ્ત થવાના  .માટે ધર્મ વિચાર એ પ્રથમથી જ આવશ્યક છે ;ને તે કર્યા વિનાનું જીવિત મરણ જ છે  .

(10) આત્મજ્ઞાન વિના આત્મજાગૃતિ અસંભવ છે ;વેદોક્ત કર્મકાંડ ,પોરાણિક ભક્તિ ,તંત્રોકત ઉપાસના ,પતંજલિ અને શાક્તોનો યોગમાર્ગ અને એ સૌની પીઠમાં રહેલું આત્મજ્ઞાન આપણા ભારતવર્ષની સનાતન વિદ્યા અને આર્યોની અમૂલ્ય સંપતિ છે  .
*                          *                           *                                      *                                   *
રાજકીય અને સામાજીક નિયમોમાં ઉત્ક્રાંતિ થતાં રાજ્યલોભ તથા સમાજસત્તાનો મદ વધી પડ્યો ;આર્થિક પરિસ્થિતિ તંગ બની અને એ બધામાં સંયમ અને સુધારણા રૂપ જે ધર્મભાવના તે સત્તાના મદમાં અસ્તવ્યસ્ત થઇ  .ધર્મભાવનાની શિથિલતામાં બાહ્યાચાર અને બાહ્યધર્મને જ પ્રજાએ પકડી રાખ્યાં ;ક્રિયાકાંડ પાછળનું આત્મજ્ઞાન ગયું ,અને સમસ્ત પ્રજાનો જીવનવ્યવહાર યંત્રમાનવના જેવો અજ્ઞાન મૂલક બન્યો  .

 
2 ટિપ્પણીઓ

Posted by on માર્ચ 3, 2015 in Uncategorized